RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

16 April 2016

ગુજરાતી ગઝલ-ચૂંટેલા સુંદર શેર




સંકલન : હરિ પટેલ

    અહીં ગુજરાતી સાહિત્યની ગઝલોના  કેટલાક ચૂંટેલા  સુંદર મઝાનાં શેર મૂકેલા છે જે સાહિત્ય રસિકો,ગુજરાતી ભાષાના અભ્યાસુઓ તેમજ વાચકોને ખૂબ જ ગમશે અને ઉપયોગી પણ થશે.

આ મનપાંચમના મેળામાં
           સૌ જાત લઇને આવ્યા છે,
કોઇ આવ્યા છે સપનું લઇને, 
          કોઇ રાત લઇને આવ્યા છે.

***
બજારમાંથી હું ચશ્માં નવાં લઇ આવ્યો,
ને બીલ પેટે  બેઉ  આંખ  દઇ આવ્યો.
***
પ્રેમની ઊઘડે કળી તે બે જણાની હોય છે,
તેની જે ખૂશ્બૂ વહે છે તે બધાની હોય છે.
***
કેમ ફૂલો ભરવસંતે આથમતાં ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.
***
રસમ અહીંની જુદી,નિયમ સાવ નોખા,
અમારે  તો  શબ્દો  જ  કંકુ  ને ચોખા.
***
ક્યાંથી હવા ય પામી શકે પાર શબ્દનો
પ્હોળો છે આભ જેટલો વિસ્તાર શબ્દનો.
***
વસ્યાં લોહીમાં ગામ નવસો નવાણું,
કવિતા વગરનું ન એકે ય થાણું.
***
હવે ક્યાંક ખુલ્લામાં રહેવાને ચાલો,
અહીં ચોરફ  છે  ઊકળતી દીવાલો.
***
એક તાલે ચાલે  જિંદગી  જાણે પરેડમાં
શ્વાસોની આવ-જા થતી એક જ ઘરેડમાં.
***
થરથરતો લીલો થાય ન ખાલીપો તાપણે
થીજી  ગયેલ  યુગના  પ્રતિનિધિ આપણે.
***
ફરતો  લીલો  સુક્કો માણસ
સપનાંનો લઇ ભૂક્કો માણસ.
***
ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે.
***
અતિથિ  જેમ  પહેલાં આવતીતી વાર તહેવારે,
પીડાઓ આવવા લાગી તો લાગટ આવવા લાગી.
***
એથી જ રંગરંગથી સઘળું  ભર્યું હતું
આંખો મહીં પતંગીયાએ ઘર કર્યું હતું.
***
નીરખને  ગગનમાં તો  અહીં ત્યાં ને બધે હું છું
મને ધારી લે મનમાં તો અહીં ત્યાં ને બધે હું છું.
***
જીવનથી મોક્ષ માગે તું, જીવનને મોક્ષ માનું હું
કે મારી જીવવાની સાવ અલગ વિચારસરણી છે.
***
જિંદગી  દીધી  નાશવંત   મને
પણ ગઝલ રાખતી જીવંત મને.
***
હાથમાં કારોબાર રાખ્યો તેં
ને મને બારોબાર રાખ્યો તેં.
***
શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા
મોતની હારોહાર  રાખ્યો  તેં.
***
નથી દ્વાર કે  દોસ્ત  મારી દે તાળું
કવિતા તો છલકાતું વરસાદી નાળું.
***
સતત ઘંટીના પડમાં ભરડાય સપનાં
છતાં સાવ છે  ખાલીખમ  એનું થાળું.
***
હું જ શંકાશીલ બનું મારા વિષે
મારી સામે ત્યારે દર્પણ હોય છે.
***
આ ઝાડમાંથી ઝાડપણું તાણી લઇ ગયું
પંખી હતું કે પૂર  હતું,  પાંદડાને  પૂછ.
***
નીકળી ગયો છું કેમ ના પૂછ તું મને,
ખાલી પડી છે કેમ જગા ? કાફલાને પૂછ.
***
વૃક્ષ ઊભું યાદ જેવું લાગે છે
કોઇ લીલા સાદ જેવું લાગે છે.
 

 
  
 
 
 
 
 
 
***

કેમ ફૂલો ભરવસંતે આથમતા ?
બાગમાં વિખવાદ જેવું લાગે છે.

***
સતત ભટકું- પૂછૂં- ને શોધું છું ઘર જેનું વર્ષોથી
લખેલું એનું ઠેકાણું છે મારી બંધ મુઠ્ઠીમાં.
***
કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ
મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.
***
નથી દાવ ઉતરી શક્યો જિંદગીભર
નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.
***
કપાય કે ન બળે,ના ભીનો વા થાય જૂનો
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.
***
પતાળે શાખ બધી,મૂળ સર્વે આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.
***
નથી જીતનો સૂર્ય ઊગવાની આશા
અહીંનો સમય છે શકુનિનો પાસો.
***
ક્યાંથી જવું સવાલ મને મૂંઝવે સતત
મારી જ આસપાસ હું કાંટાળી વાડ છું.
***
હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જ્યારે બાકસનાં ખોખાં.
***
નિષ્ફળ પ્રણયનું કારણ શોધો તો છે ઉભયમાં,
એ રહી ગયા શરમમાં, હું રહી ગયો વિનયમાં.
***
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ
પણ ‘ના’ કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
***
બે જણા દિલથી મળે તો એક મજલિસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
***
આ રીતે સાથ દઇ મને રસ્તા ઉપર ન છોડ,
હું જાઉં કઇ તરફ મને રસ્તો બતાવી જા.
***
જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
***
જે કંઇ હું મેળવીશ હમેશાં નહીં રહે,
જે કંઇ તુ આપશે સનાતન બની જશે.
***
ઘર સુધી આવવાની જીદ ન કર
ઘર નથી, નહિતર હું ના પાડું તને.
***
ફૂલોનું શું થશે અને ફોરમનું શું થશે,
ઓ પાનખર વિચાર કે મોસમનું શું થશે.
***
ચર્ચા કરી રહ્યો છું સુરાલયમાં ધર્મની,
મારા ને સંતના આ સમાગમનું શું થશે.
***
એનો વિચાર એણે કર્યો તો હશે જરૂર,
કાંટા અને ગુલાબના સંગમનું શું થશે.
***
તેં જે નથી કહી એ બધી વાત યાદ છે,
તેં જે કહી એ વાતનું કોઇ સ્મરણ નથી.
***
પહેલાં હતુ એ આજનું વતાવરણ નથી,
રસ્તો અહીં પડ્યો છે ને તારાં ચરણ નથી.
***
તુ નથી તો મારા ભરચક શ્હેરના આ હાલ છે,
માર્ગ ખાલી ખાલી છે ને ખાલી ખાલી છે બજાર.
*** 

આપને જ્યારે મળું  હું ખૂબ રાજી થાઉં છું, 
રૂબરું આવ્યો હતો શું કામ ? ભૂલી જાઉં છું
***
દુ:ખ ભૂલી જા, દિવાલ ભૂલી જા,  
થઈ જશે તું ય ન્યાલ, ભૂલી જા
***
છો સિક્કાથી આખી તિજોરી ભરે પણ,  
જરા-શું  ખૂણે  રાખજે  વ્હાલ રાજ્જા
***
ગરજતા મેઘ, ગાતાં વાદળાં ઘનઘોર આવ્યા છે  
નવાં કૈં ગીત લઇને કેટલા ટાગોર આવ્યા છે !
***
પરિચિતો ય બધાં પંખી સમાં લાગે  
હું નામજોગ કોઇને ય ઓળખી ન શકું
***
પાડ્યા છે નાતજાતના વર્ણો અમોએ વિશ્વમાં  
જેમાં હો માત્ર માનવી એવું વરણ અહીં નથી
***
મન શોધતું ફરે છે ઉદાસીનાં કારણો  
પોતે જ હોય વાંકમાં તો શું કરી શકો ? 
લાગે કે એકઠું કરી લીધું બધું અને- 
નીકળે ન કાંઇ ફાંટમાં તો શું કરી શકો ?
***
દિવસો જુદાઈના જાય છે,
એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે,
હવે શત્રુઓ જ સ્વજન સુધી. 
***
ન ધરા સુધી,ન ગગન સુધી,
નહિ ઉન્નતિ,ન પતન સુધી,
અહીં આપણે તો જવું હતું,
ફક્ત એકમેકના મન સુધી.
***
તમે રાંકનાં છો રતન સમા,
ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી,
તો હૃદયથી જાઓ નયન સુધી.
***
સ્વર્ગની એકેક દેવીની ઝલકમાં દીકરી,
છે સુખડ-ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી,
***
સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે,
કોતરે છે કોઇ વરસોથી ખડકમાં દીકરી.
***
જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે,
વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી.
***
કોણ કોનું  થાય  છે  એકાંતમાં
સૌ અહીં અટવાય છે એકાંતમાં.
ભરસભામાં જે કશું સમજાય ના
એ બધું સમજાય  છે એકાંતમાં. 
***
સાદ  દિદ્યો'તો  કોઇએ  એક  દિ'
શું એ હજી સંભળાય છે એકાંતમાં.
***
પગલું માંડું હું અવકાશમાં
જોઉં નીચે હરિવરનો હાથ,
અજંપાની સદા સૂની શેરીએ
ગાતો આવે અદીઠો સંગાથ. 
*** 
  

સુવિચાર કોડિયાં અને કાવ્યકોડિયાં જોવા અહીં ક્લિક કરો>>>

આ માહિતી અપડેટ થતી રહેશે.આ પોસ્ટ જોતા રહેશો.અભિપ્રાય અને સૂચનો આવકાર્ય.



No comments: