RTO Forms

Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

04 October 2015

કાવ્યકોડિયાં



કોડિયું ભલેને નાનું હું
રહેતું સદાયે ઝગમગતું,
સૂરજ પાસેથી શીખ સૌને મળે છે,
પથદર્શક બનનારે બળવું પડે છે.
***

ઐસી વાણી બોલિયે,
મન કા આપા ખોય,
ઔરન કો શીતલ કરે,
આપહુ શીતલ હોય.
***
ગરીબ કો મત સતા જાલિમ,
ગરીબ રો દેગા,
સુનેગા ઉસકા માલિક તો 
દોનોં જહાં સે ખો દેગા.
***
વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી,
માથે ધરું ધૂળ વસુન્ધરાની.
***
બાળક્ને જોઇ જે રીઝે,
         રીઝે બાળક જોઇ જેને,
વત્સલ મૂરત,સ્નેહલ સૂરત,
         હ્રદય હ્રદયનાં વંદન તેને.
***
સ્વતંત્ર પ્રકૃતિ તમામ,
એક માનવી જ કાં ગુલામ ?
***
મોટાઓની અલ્પતા જોઇ થાક્યો,
નાનાની મોટાઇ જોઇ જીવું છું.
***
મારી ન્યૂનતા ના નડી તને,
તારી પૂર્ણતા ગૈ અડી મને.
(ઉપરોક્ત પાંચ કાવ્ય કોડિયાં "ઉમાશંકર જોશી" નાં છે.)  
***
જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે,
ઘસીને જાતને સંતો અન્યને સુખિયાં કરે.
***
કરીએ સંપ કુંટુંબમાં, શત્રુથી શું થાય ?
ઝાડ ટકે છે ઝુંડમાં, એકલ ઊડી જાય. 
***
ખૂંદી ખમે માતા પ્રથમી,
વાઢી ખમે વનરાઇ,
કઠણ વચન સાધુડાં ખમે,
નીર તો સાયરમાં સમાઇ. 
( કઠીન શબ્દાર્થ: પ્રથમી-પૃથ્વી,સાયર-દરિયો)
 


 
 
 
 
 
 
 
 ***
શહેરોમાં રહે છે,
જંગલોમાં જાય છે રસ્તો,
કહીં સંસાર માંડે,
ક્યાંક સાધુ થાય છે રસ્તો !
***
નથી જોતા મુસાફર એકબીજાને નથી જોતા,
નજરને શું થયું છે કે ફક્ત દેખાય છે રસ્તો !
***
નથી એક માનવી પાસે 
બીજો માનવ હજી પહોંચ્યો,
'અનિલ' મેં સાંભળ્યું છે,
ક્યારનો બંધાય છે રસ્તો !
(ઉપરોક્ત ત્રણે ય શેર રતિલાલ 'અનિલ'  નાં છે.) 

***
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી,પગલાં વસંતનાં !
***
ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !
***
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !
(ઉપરોક્ત ત્રણે ય શેર "મનોજ ખંડેરિયા" નાં છે.)  
***
શાંત એ તોફાન દુનિયાએ કદી જોયું નથી,
આંખડી વરસી રહે ને કોઇ ભીંજાયા કરે.
***
જિંદગીનો  એ જ સાચેસાચ પડઘો છે 'ગની',
હોય ના વ્યક્તિ,ને એનું નામ બોલાયા કરે.
(ઉપરોક્ત બન્ને શેર "ગની દહીંવાલા" નાં છે.)  
***
વતનની ધૂળથી માથું ભરી લઉ,આદિલ,
અરે ! આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
***
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ન મળે.
***
પરિચિતોને ધરાઇને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા,આ મીઠી નજર મળે ન મળે.
(ઉપરોક્ત ત્રણે ય શેર "આદિલ મનસૂરી" નાં છે.)  
*** 
શબનાં સરઘસ નીકળે,નહીં લે જીવતાં કેરી ભાળ;
પૂતળાં કેરી પૂજા થાય, ને માનવ ઠેબાં ખાય !

***
વિદ્યા પુસ્તકમાં અને પર કબજામાં ધન;
ભીડ પડે કામ ન આવે,એ વિદ્યા ને ધન !
***
ઊગે કમળ પંકમાં,તદપિ દેવશિરે ચડે;
નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.

***
સંપત ગઇ તે સાંપડે,ગયાં વળે છે વહાણ;
ગત અવસર આવે નહીં, ગયા ન આવે પ્રાણ.
***


કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;

અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
***
પૈસા અને પદવીનો, વિશેષ શો વિશ્વાસ;
રાવણ કેરી રિદ્ધિ પણ પળમાં પામી નાશ.
***
હૈયે વડવાનલ જલે, તો યે સાગર ગાય;
હસી જાણે જગઝેર પી, સન્ત તે કહેવાય.
***
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી;
ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી.
***
પ્રભુએ તો સરજેલું છે સુખ.
મન મનનું ખોળી લે છે દુ:ખ.
***
પડશું અનેકવાર, પણ કિસ્મત બની જશે;
સાચી દિશાનો પંથ છે, ઠોકરની આસપાસ.
***
વિદ્યા વપરાતી ભલી,વહેતાં ભલાં નવાણ;
અણછેડ્યા મૂરખા ભલા, છેડ્યા ભલા સુજાણ.
***
આપણે
સાથે ન હોઇએ
ત્યારે કાળ કાચબો
અને
સાથે હોઇએ
ત્યારે કાળ હરણ
હજી પણ આપણને
અને કાળને શું સબંધ છે
એની પડતી નથી સમજણ.
***
ઝાડને તું પથ્થર કાં મારે ?
પથ્થરના ઘાવ બધા ઝીલીને ઝાડ
ડાળ ફેલાવી તોય આવકારે.
***
ઝાડથી વછોયું એક પાંદડુંય પાણીમાં
ડૂબેલી કીડીને તારે
ઝાડને તું પથ્થર કાં મારે ?
***
કોકનાં તે વેણને વીણી વીણીને, 
વીરા ! ઉછી-ઉધારાં ન કરીએ,
હૈયે ઊગે એવી હૈયાની વાતને 
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
***
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
                    રેલાવી દઇએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે,ભલે
                    પાસે જ હોય કે દૂર.
***
ઝાકળમાં આખું આકાશ, આકાશ આખું તૂટી પડ્યું,
દરિયાની ભૂરી ખારાશ, આંસુ એક ખૂટી પડ્યું !
***
રૂપથી તને વશ કરું નહીં, પ્રેમથી કરું વશ,
હાથથી તારાં દ્વાર ના ખોલું, ગીતથી ખોલું બસ.
***
સૂરજને ગુડ મોર્નિંગ કહેવાનું શીખો
          ને ઝૂકીને ચાંદને સલામ ભરો,
બીજાં તો કામ કરે ઉપરવાળો
        તમે માણસને ચાહવાનું કામ કરો.
***
વિધાતાએ બધી યોજના ઘડી કાઢી છે,
રડવા માટે આંખ અને ખૂબ લાંબી રાત આપી છે.
***
દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળીયું
ગમે એટલું સીવો.
***
જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે,
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે.
***
તેરે જીવનમેં ખુશિયૉં કી સોગાત આયેગી,
લે જા મૉં કી દુવાએં તેરે કામ આયેગી.
***
સૂર સઘળા આનંદના ને આનંદ-આનંદ આઠે પ્હોર
હોઠો પર ગીતો આનંદના, આનંદ વધતો ચારેકોર
*** 
કાનજી મારા કાંઇ ન જાણે કેમ થયો કલશોર રે 
આતો રાધાજીનાં રૂંવે રૂંવે ટહુકી ઊઠ્યાં મોર રે
*** 
ગોપીઓનો  સાચો  સાથી, રાધાનો  પરવાનો  છે 
બંસી પાછળ પૂરો પાગલ,મોરપિચ્છનો દિવાનો છે
*** 
ચો તરફ અંધાર છે તો શું થયું ? 
ભીતરે દીવો કરીને નીકળ્યા
*** 
ખાદીની સાચી કિંમત તો 
ગાંધીજીની તકલી જાણે 
એનાં પ્યાદાં હારે 
ત્યારે ઇશ્વર બાજી બદલી જાણે
*** 
છીછરાં નીરમાં હોય શું નાવું ? 
તરવા તો મઝધારે જાવું 
ઓર ગાણામાં હોય શું ગાવું ?  
ગીત ગાવું તો પ્રીતનું ગાવું
*** 
વિશ્વ આખાની વચ્ચે હું ઊભો રહ્યો 
તો ય ઘેરી વળી હદ મને ગામની
***
ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ
ને ગમતાનો કરીએ ગુલાલ !
***
મને આ જોઇને હસવું હજારો વાર આવે છે,
પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે.
***
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત,
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત !
***
છે ગરીબોના કુબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.
***
સરવાળો સતકર્મનો, ગુણનો ગુણાકાર,
બાદબાકી બુરાઇની, ભ્રમનો ભાગાકાર.
***
ભાષાને શું વળગે ભૂર,
રણમાં જે જીતે તે શૂર.
***



અહીં સમયાંતરે અન્ય કાવ્ય કોડિયાં મુકાયા કરશે. મુલાકાત લેતા રહેશો.

No comments: