Our Partners

"આ બ્લોગ પર આપનું સ્વાગત છે.આ બ્લોગમાં શિક્ષણ, સાહિત્ય, કાયદા,ખેતી અને વિવિધ યોજનાઓ વિષયક માહિતી આપેલ છે.આ બ્લોગ વિશેના આપના અભિપ્રાયો કે સૂચનો આવકાર્ય છે.બ્લોગ નીચે આપેલ Contact Form માં આપનો અભિપ્રાય કે સૂચન લખી મોકલો.આપનો શુભેચ્છક - HARI PATEL (Ex.Principal)"

હક્કપત્રક વિશે જાણો

હકક પત્રક

   ખેડૂત મિત્રો, હકકનું પત્રક મહેસૂલી રેકર્ડમાં સૌથી અગત્યનું પત્રક છે. કારણ કે કબજેદાર કે ખાતેદારની જમીન પરત્વેના હકકો કેવી રીતે પ્રાપ્ત થયા છે તે અંગેનું મુખ્ય રેકર્ડ છે અને ત્યારબાદ વખતો વખત જમીનને લગતા વ્ય‍વહારોની નોંધ હકકના પત્રકમાં સતત થતી રહે છે. હકકનું પત્રક રોજનીશીના આકારમાં રાખેલું છે. જેમાં પ્રથમ નોંધેલા તથા નોંઘ્યા વગરના દસ્તાવેજથી વારસાથી, મોઢાની કબુલાતોથી, અગર બીજી રીતે સંપાદન કરેલા જમીનના માલિકોના, કબજેદારોના, ગીરો રાખનારના, ખેડૂતો (ગણોતીયા)ના અગર જમીનની ગણોત, અથવા મહેસૂલ લેવાની મુખત્યાર હોય તેઓના સઘળા ખાનગી હકોની તેમજ સાર્વજનિક હકોની અને સફીલદારીના (ઈઝમેન્ટાના) તેમજ સરકારના જમીન ઉપરના સઘળા હકોની વિગતો આપવામાં આવે છે. સદરહુ હકો પછીથી દરેક ગામના સર્વે નંબરના અનુક્રમ મુજબ જમીન બાબતની અનુક્રમણિકામાં દાખલ કરવામાં આવે છે અને દરેક સર્વે નંબરથી પેટા હિસ્સાની કબજા પ્રમાણે જુદી જુદી નોંધ કરવામાં આવે છે.માટે હક્કપત્રક્ને લગતા તમામ વ્યવહારો જાણી લેવા ખૂબ જ જરૂરી છે.

હક્ક પત્રક શું છે ? તેમાં કઇ કઇ બાબતોનો સમાવેશ થાય છે ?

હક્ક પત્રક એ ડાયરીના નમૂનામાં (ગામ નમૂના નં-૬ માં) રખાતું એક પાકુ રજીસ્ટર છે. જેમાં જમીન પરત્વેે ના બધા ખાનગી હક્કો પછી તે રજીસ્ટર કે અનરજીસ્ટર લખાણો દ્વારા મેળવ્યા હોય, વારસાઇથી, બીજી રીતે મેળવ્યા હોય તેમાં અધિકૃત કબજેદાર, ગીરોદાર ગણોતીયા, વગેરેના હક્કો નોંધાય છે. ઉપરાંત જાહેર હક્કો અન્યના હક્કો તથા તકરારી હક્કોની તેમાં નોંધ રહે છે. મહેસૂલી હિસાબો આ હક્કપત્રકના આધારે રખાતા હોઇ તે કબજેદારની જવાબદારીનું રેકર્ડ પણ કહેવાય છે અને હક્કપત્રક મુજબનો જે તે વ્યક્તિ જમીનનો કબજો ધરાવતો હોય તેના મહેસૂલ માટે તે જવાબદાર હોય  છે.


હક્કપત્રક કેવી રીતે રાખવામાં આવે છે ?


હક્કપત્રક માટે મુખ્ય બે ફોર્મ ઠરાવાયા છે. એક ગામનો નમૂના નં-૬ અને બીજો પાણીપત્રક ગામના નમૂના નં-૭-૧ર. ગામના નમૂના નં-૬ ડાયરી જેવું રજીસ્ટર છે જેમાં ફેરફારની નોંધનો નંબર પ્રાપ્ત થયેલ હક્કનો પ્રકાર તથા કયા સર્વે નંબર, પોત હિસ્સા નંબરની અગર બ્લોક ની જમીન ઉપર હક્ક પ્રાપ્ત થયે / મળ્યે  તેની યાદી વિગેરે બાબત આવે છે. ગામ નમૂના નંબર ૭ -૧ર એ હક્કપત્રકનું સાંકળીયુ છે. કેમ કે પ્રમાણિત થયેલ નોંધ નો ક્રમાંક ફેરફારના આધાર તરીકે નોંધાય છે. અને જે કબજેદારના હક્ક કમી થયા હોય તેને કેસ કરી નવા કબજેદારનું નામ દાખલ કરવામાં આવે છે. 

જમીન પરના હક્કોમાં તથા તેની એન્ટ્રીમાં વખતો વખત થતા ફેરફારો સામાન્ય કેવા પ્રકારના હોય છે ?

(૧) કૌટુંબિક મૌખિક વહેંચણી (ર) મોહમેડન લો અન્વયેની બક્ષીસથી તથા વેચાણ, વેચાણ રીલીઝ , બક્ષીસ, ગીરો, શરતી વેચાણના રજીસ્ટર્ડ દસ્તાચવેજથી (૩) હક્કપત્રકમાં જે વ્યક્તિનું નામ કબજેદાર તરીકે ચાલતું હોય તે ગુજરી જવાથી, વારસાઇ હક્કથી અગર ગુજરનારના રજીસ્ટર્ડ કે અનરજીસ્ટર્ડ (છેલ્લી) વીલથી પ્રાપ્ત કરનારની અરજીથી (૩) સક્ષમ મહેસૂલ અધિકારીઓના કે સરકારશ્રી નાં હુકમો અન્વ યે સરકારી જમીન કાયમી ધોરણે કોઇપણ વ્યક્તિને કે સંસ્થા્ને ગ્રાન્ટો થવાથી (પ) ખેતીની જમીનને બિનખેતીમાં રૂપાંતર કરવાથી (૬) નવી શરતની કે મર્યાદિત સત્તા પ્રકારથી મળેલ જમીનને તબદીલપાત્ર સત્તા પ્રકારના એટલે જુની શરતમાં ફેરવવાથી (૭) કોઇ ખેતીની જમીન ઉપર ગણોત હક્ક પ્રાપ્ત કરવાથી (૮) જમીનને તારણમાં મૂકવા અગર જીબી ભરપાઇ થવાથી (૯) દિવાની કોર્ટ ના હુકમનામાથી. 
નોંધ પ્રમાણિત થવાથી કોઇ ગેરકાયદેસર વ્યવહાર કાયદેસર થઇ જાય છે. ?


ના. નોંધ પ્રમાણિત થવા છતાં કોઇ ગેરકાયદેસર વ્યવવહાર કાયદેસર થતો નથી. તે ગેરકાયદેસર જ રહે છે.


જે વ્યક્તિ ની તરફેણમાં ગીરો છોડાવવામાં આવ્યો હોય અથવા નષ્ટ થયો હોય અથવા પટો પૂરો થયો હોય તે વ્યક્તિએ પણ હકક સંપાદન ની જાણ કરવી જરૂરી છે ?


હા, જે તે બેન્ક / સહકારી મંડળીમાંથી દાખલો મેળવો અને તે સાથે તલાટી ને જાણ કરો.


એન્ટ્રી પ્રમાણિત કરવા માટે સક્ષમ અધિકારી કોણ ? 


નાયબ મામલતદાર કક્ષાથી ઉતરતી કક્ષાના ન હોય તેવા કોઇપણ મહેસૂલી અધિકારી હકકપત્રકે ગામ નમૂના નં-૬ માં પાડેલ ફેરફાર એન્ટ્રી પ્રમાણિત કરી શકે છે. આવા અધિકારીમાં જિલ્લા જમીન દફતર નિરિક્ષકશ્રીઓનો પણ સમાવેશ થાય છે. મહેસૂલી કામ કરતા નાયબ મામલતદાર સિવાય જે અવલ કારકુન એટલે નાયબ મામલતદારને કલેકટરશ્રી તરફથી આવા અધિકારો મળ્યા હોય તેઓ પણ એન્ટ્રીઓ પ્રમાણિત કરી શકે છે. સર્કલ ઓફીસર ને પણ એન્ટ્રીઓ પ્રમાણિત કરવાની સત્તા છે.


તકરારી રજીસ્ટારે સક્ષમ અધિકારી તરફથી લેવાયેલ નિર્ણય સામે કોઇ પક્ષકારને નારાજગી અગર અસંતોષ હોય તો તે દૂર કરવા કઇ જાતની જોગવાઇ છે ? 


મામલતદારશ્રી અગર સક્ષમ અધિકારીશ્રીના નિર્ણયથી અસંતોષ હોય તેવા પક્ષકાર તે નિર્ણયની જાણ થયાની તારીખથી ૬૦ દિવસની મુદતમાં સંબંધિત પ્રાંત અધિકારી/નાયબ કલેકટરશ્રી ને અપીલ કરીને દાદ મેળવી શકે છે પરંતુ દિવાની કોર્ટના હુકમનામા અન્વયેની કાર્યવાહી સામે વાંધો હોય તો ફકત ઉપલી કોર્ટ માં જ અપીલ કરવાની રહે છે.


પ્રાંત અધિકારી/નાયબ કલેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં સફળતા ન મળે તો શું કરવું ? 


આવા કિસ્સામાં સંબંધિત પ્રાંત અધિકારીના નિર્ણય માટે જિલ્લા કલેકટરશ્રીને રીવીઝન કરીને દાદ મેળવી શકાય છે. અપીલ સામે પ્રાંત અધિકારીના હુકમની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહે છે.


જિલ્લા કલેકટરશ્રીને કરવામાં આવેલી અપીલમાં પણ સફળતા ન મળે તો કોની પાસેથી દાદ મેળવી શકાય ? 


ગુજરાત જમીન મહેસૂલ નિયમ ૧૦૮ (પ) મુજબ કલેકટરશ્રીને હુકમ ઉપર અપીલ કરવાની કોઇ જોગવાઇ નથી. પરંતુ રાજય સરકારને આવા હુકમની કાયદેસરતા કે ઔચિત્યતા વિષે પોતાની ખાતરી કરવા આવુ રેકર્ડ મંગાવી તપાસવાનો અધિકાર છે અને તેમાં રાજય સરકારને લાગે કે કલેકટરશ્રીનો હુકમ ફેરવવો જોઇએ કે રદ કરવો જોઇએ તો રાજય સરકાર તે અંગે યોગ્ય્ લાગે તેવા  હૂકમ કરી શકે છે.


કોઇ ખેડૂત / વ્યક્તિ એ પોતાની જમીન અન્ય ખેડૂત ને તબદીલ કરવી હોય તો કોઇ બાબતમાં નિયંત્રણ છે. ? 


હા, ગુજરાતના અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર થયેલ વિસ્તારમાં કોઇ આદિવાસીએ ધારણ કરેલી કે તેમને સરકારે જાતખેતી માટે આપેલી ખેતીની કે બિનખેતીની જમીન બીજી કોઇ વ્યક્તિને ભલે તે ખેડૂત હોય કે આદિવાસી હોય પરંતુ કલેકટરશ્રીની પૂર્વમંજૂરી વિના તબદીલ કે વેચાણ થઇ શકતી નથી. અને જો આવી કોઇપણ કાર્યવાહી પૂર્વમંજૂરી સિવાય  થઇ હોય તો ગેરકાયદેસર છે. આમાં ખેતી વિષયક હેતુ માટે લોન લેવા સહકારી કે જમીન વિકાસ બેંકને જમીન તારણ આપવાનો સમાવેશ થતો નથી.


મારી મોજે. રજોડા તા. બાવળા ગામે પ્ર.સ.પ્ર ની જમીન આવેલ છે જે જમીન વેચાણ કરી શકું ?


સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા. ૩/૫/૨૦૧૧ ના ઠરાવ મુજબ આવી જમીનો ખેતીથી ખેતીના હેતુ માટે સૌપ્રથમ જુની શરતની કરાવવાની થાય. જેના અધિકાર મામલતદારશ્રીને છે. જેથી આપને જનસેવા કેન્‍દ્રમાંથી આ અંગે નિયત થયેલ નમૂનાની અરજી મેળવી મામલતદારશ્રીને અરજી કરવાની રહે. સદર જમીન ખેતીના હેતુ માટે જુની શરત થયા બાદ / ગામ દફતરે અમલ થયા બાદ આપ ખેડૂત ખાતેદમારને જમીન વેચાણ કરી શકો.


સીટી સર્વે વિસ્‍તારની સરકારી જમીન મારે રહેણાંક હેતુ માટે શકય એટલી ઝડપથી વેચાણ કેવી રીતે મળે ?


આ અંગે જનસેવા કેન્‍દ્રમાંથી સરકારી પડતર જમીન મેળવવા અંગેનું નિયત નમૂનાનું ફોર્મ મેળવી સબંધિત મામલતદાર કચેરીમાં રજુ કરવું જેથી તે અંગેની વિધિસરની દરખાસ્‍ત તૈયાર થઇ આવ્‍યેથી માંગણી નિયમ મુજબની / જોગવાઇ મુજબની જણાય તો, પ્રવર્તમાન બજાર કિંમત વસૂલ લઇ જમીન આપી શકાય છે.


પોત ખરાબા વર્ગ-અ ની જમીન ખાતામાં ભેળવવા શું કરવું ?


આ અંગે સંબંધિત મામલતદારશ્રીને અરજી કરવાની રહે. તેઓ જમીન મહેસૂલ નિયમો નિયમ – ૭૫ ધ્‍યાને લઇ માંગણી નિયમાનુસાર / જોગવાઇ અનુસારની જણાયેથી પોત ખરાબો ખાતામાં ભેળવવા હુકમ કરશે. જે હુકમ ની નકલ ડી.આઇ.એલ.આર કચેરી તરફથી ગયેથી જરૂરી માપણી તથા કાયમ દરનું પત્રક તૈયાર કરી પ્રાંત અધિકારીશ્રીને મંજૂરી અર્થે સાદર કરશે.


ખાનગી સંસ્‍થાને શૈક્ષિણક હેતુ માટે સરકારી પડતર જમીન જોઇએ છે ?


સૌપ્રથમ આપે જમીન પસંદ કરી હોય તે જમીન જે તાલુકામાં આવતી હોય તે તાલુકાના મામલતદાર ને જનસેવા  કેન્‍દ્રમાંથી નિયત નમૂનાનું ફોર્મ મેળવી અરજી કરવાની રહે છે. જે અંગે દરખાસ્‍ત તૈયાર થયેથી માંગણી નિયમોનુસાર / જોગવાઇ અનુસારની જણાયેથી સરકારશ્રી મારફત જરૂરી પ્રવર્તમાન / બજાર કિંમત વસૂલ લઇ  માંગણી મુજબની જમીન ફાળવવામાં આવે છે.


મારી જમીન બાવળા નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ છે. તે બીનખેતીમાં ફેરવવા શું કરવું ?


બાવળા નગરપાલિકા તે સી વર્ગની નગરપાલિકા છે.  સી વર્ગની નગરપાલિકામાં આવેલ જમીનોની બીનખેતીની મંજૂરી આપવાના અધિકારો પ્રાંત અધિકારીશ્રીને છે. જેથી તમોને સંબંધિત મામલતદાર કચેરીમાંથી નિયત નમુનાનું અરજી ફોર્મ મેળવી રજૂ કર્યેથી આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.


મને સાંથણી માં જમીન ફાળવવામા આવેલ પરંતુ તેની કબજા હકકની રકમ ભરવા જે તે સમયે ખેત ધિરાણ મંડળીમાંથી લોન લીધેલ જે ન ભરી શકતાં મારી જમીન સરકાર દાખલ થયેલ છે. જે પરત મેળવવા શું કરવું ?


સરકારશ્રીના મહેસૂલ વિભાગના છેલ્‍લા સુધારા જાહેરનામા  તા. ૨૦/૦૭/૨૦૦૯ મુજબ આવા કારણોસર જેઓની જમીનમાં સરકાર દાખલ થયેલ હોય, અને તેને પચ્‍ચીસ વર્ષ ઉપરનો સમય થઇ ગયેલ હોય તો સદર ઠરાવની જોગવાઇ ધ્‍યાને લઇ જમીન રીગ્રાન્‍ટ કરી શકાય છે. જેથી આપને સંબંધિત મામલતદારશ્રી/ પ્રાંત અધિકારીશ્રીને જરૂરી વિગતો સહ  અરજી કરવાની રહે છે.


મારી ખેતીની જમીન ઔધોગિક હેતુ માટે કંપનીને વેચાણ કરી શકું ?


હા. કોઇ કંપની પ્રમાણિત ઔદ્યોગિક હેતુ માટે ખેતીની જમીન ખરીદ કરી શકે છે. પરંતુ તેમણે સંબંધિત અધિકારીના સર્ટીફીકેટ હકારાત્‍મક હોવાની ખાત્રી કરવાની રહે છે.


મારી ખેતીની જમીનમાં મારે પોતાનું રહેણાંક બનાવવું છે તો, શું બીનખેતીની મંજૂરી મેળવવી પડશે ?


ગ્રામ્‍ય વિસ્‍તારમાં ખેતીની કુલ જમીનના ૧૦ % જમીનમાં કબજેદાર પોતાના રહેણાંક ના હેતુ સારૂ મકાન બનાવી શકે છે. જે અંગે પરવાનગી મેળવવાની રહેતી નથી.


મારે ખેતીની જમીન બીનખેડૂત ને વેચાણ કરવી છે તો શું મંજુરી મળે ?


જે વ્‍યકિત / સંસ્‍થા / કંપની કે જે બીનખેડૂત છે તે ખેતીની જમીન ખરીદવા માંગે તો, તેણ ગ.ધા.ક. ૬૩ નિયમ-૩૬ હેઠળ મંજૂરી મેળવવાની રહે.


જમીન બીનખેતી થયેલ છે, અને પાછી ખેતીની જમીનમાં ફેરવી શકાય?


હા. પરંતુ નિયમ મુજબ શરતભંગ ગણાતા નિયમ મુજબની દંડ ની રકમ ભરપાઇ કરવાની થાય.


મેં સને ૨૦૧૦ માં જમીન વેચાણ કરી ત્‍યારબાદ હવે પછી મારી પાસે ખેતીની જમીન બાકી રહેતી નથી.  શું હું અન્‍ય ખેતીની જમીન ખરીદી શકું ?


આપ ખેતી ની જમીન વેચાણ કર્યા તારીખ થી ૧૮૦ દિવસ ની અંદર ખેતીની જમીન વેચાણ રાખી શકો છો. અને જો આ સમય મર્યાદામાં જમીન વેચાણ રાખી હોય તો જ નિયમ મુજબ સક્ષમ અધિકારીને અરજી કરી અગાઉ ધારણ કરતા હતા તે અનુંસંધાને ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકો છો.


ગામતળ ધરથાળના પ્‍લોટની માંગણી કરવા શું કરવું ?


જનસેવા કેન્‍દ્રમાંથી પરિશિષ્‍ટ -૧/૧ મુજબની અરજી મેળવી તેમાં જણાવેલ પુરાવા સહિત પ્રાંત અધિકારીશ્રીને અરજી કરવાથી કાર્યવાહી થઇ શકે છે.


ગ્રામ પંચાયતની જમીનમાં સામાજીક વનીકરણની   જરૂરીયાત છે ?

જનસેવા કેન્‍દ્ર માંથી પરિશિષ્‍ટ -૧/૫ મુજબની અરજી મેળવી તેમાં જણાવેલ પુરાવા સહિત વન વિભાગના સક્ષમ અધિકારીશ્રીને અરજી કરવાથી કાર્યવાહી થઇ શકે છે.


મીઠા ઉદ્યોગ માટે જમીન ભાડાપટે મળી શકે ?


No comments: