અધિકાર, ડૉ.અમી યાજ્ઞિક(ધારાશાસ્ત્રી)
(દિવ્યભાસ્કર , તા: ૭,ફેબ્રુઆરી,૨૦૧૧)
લગ્નની નોંધણી ફરજિયાત થાય એ માટે ઉચ્ચ ન્યાયાલયે દરેક રાજ્યને લગ્નની નોંધણીનો કાયદો ઘડવા નિર્દેશ કર્યો છે. લગ્નનાં ફોટા હતાં, બંને પક્ષના વડીલોનાં એકબીજાને ભેટતાં ફોટા હતા, લગ્નની
વિધિ કરાવનાર ગોરમહારાજ ને સોગંદ પર એફિડેવિટ પણ હતી. છતાં લગ્ન પુરવાર
કરવામાં મહિલાને કોર્ટમાં મુશ્કેલી પડતી હતી, એવા એક કેસની આ વાત છે. લગ્ન
ભંગાણનાં એક કેસમાં સ્ત્રીએ લગ્ન જ નથી કર્યા અને તેથી જેની જોડે લગ્ન
કર્યા હતા એ વ્યક્તિ કોઇ પૈસા આપવા માટે કે પતિ તરીકેની ફરજ નિભાવવા
જવાબદાર જ નથી તેવી દલીલો કેસમાં ચાલી અને કોર્ટનું પણ એવું માનવું હતું કે
લગ્ન નોંધણીનો પુરાવો ક્યાં છે, જેથી મનાય કે લગ્ન થયેલાં છે. આવા પ્રશ્નો
લગ્નને લગતાં અસંખ્ય કેસોમાં અને ખાસ કરીને એન.આર.આઇ. લગ્નોમાં ઊભા થાય
છે.
ભારતમાં થયેલા લગ્નની નોંધણી ફરજિયાત હોવી જોઇએ, તે માટે ભારતની ઉચ્ચ
ન્યાયાલયે દરેક રાજ્યને લગ્ન નોંધણી અંગેનો યોગ્ય કાયદો ઘડવા માટે નિર્દેશ
કર્યો. મુંબઇનો લગ્નની નોંધણી કરવા બાબતનો અધિનિયમ, ૧૯૫૩, રાજ્યમાં
વિધિપૂર્વક કરેલ લગ્નોની ફરજિયાત નોંધણી માટેની જોગવાઇ કરે છે, પરંતુ આ
અધિનિયમ બિનઅસરકારક નીવડ્યો છે. ઉપરોક્ત જણાવેલ સુપ્રીમ કોર્ટનાં હુકમમાં
સુપ્રીમ કોર્ટે એવો અભિપ્રાય આપ્યો છે કે લગ્નની તારીખો અને લગ્નનાં
પક્ષકારોને લગતાં રેકોર્ડના અભાવથી દૂરોગામી અસરો જન્માવતી સમસ્યાઓ ઊભી થાય
છે.
યોગ્ય કાયદો બનાવવામાં ન આવે, ત્યાં સુધી આ કોર્ટના આ હુકમ અનુસાર સરકારી
હુકમ કે વહીવટી સૂચનાઓને અમલી બનાવી શકાય. આમ જ્યાં લગ્નની નોંધણી કે
રેકોર્ડ કરવા માટે વૈધાનિક નિર્દેશો ન હોય ત્યાં ઉક્ત હુકમ લાગુ પાડી શકાય
અને જ્યાં આવા કોઇ નિર્દેશો હોય, ત્યાં વધારાના પગલાંરૂપે તેને લાગુ કરી
શકાય.
આજની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યમાં લગ્નોની ફરજિયાત નોંધણીની
જોગવાઇઓના અસરકારક અમલીકરણને સુનિશ્વિત કરવા એક યોગ્ય કાયદાની જરૂરિયાત
જણાતાં ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ ૨૦૦૬નો કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદા
પ્રમાણે રાજ્ય સરકાર નિદ્રષ્ટિ કરવામાં આવેલ સ્થાનિક વિસ્તારોમાં લગ્ન
રજિસ્ટ્રારની નિમણુંક કરી શકે છે. આ કાયદા હેઠળ રાજ્યમાં કરવામાં આવેલ
લગ્નોની નોંધણીની ખાસ જોગવાઇ છે.
કલમ-૫ પ્રમાણે લગ્નના પક્ષકારોને નોંધણીની યાદી તૈયાર કરવા અને લગ્નની
તારીખથી ત્રીસ દિવસની મુદતની અંદર રજિસ્ટ્રારને પહોંચાડવા ફરમાવવામાં
આવેલું છે. આ કાયદામાં એવી પણ જોગવાઇ કરી છે કે લગ્ન નોંધણીની યાદી લગ્નની
તારીખથી ત્રીસ દિવસની મુદ્દત પૂરી થયા પછી પણ રજિસ્ટ્રારને સાદર કરી શકાશે,
પણ નોંધણીની યાદી મોકલવામાં ચૂક કરવા અથવા બેદરકારી દાખવવા બદલ કલમ ૧૫
હેઠળ શિક્ષા થઇ શકે.
લગ્નની નોંધણી કરવા માટે લગ્નનાં પક્ષકારોએ નિદ્રષ્ટિ કરેલા નમૂનામાં
નોંધણીની યાદી તૈયાર કરવાની રહેશે અને લગ્નની તારીખથી ત્રીસ દિવસની
મુદ્દતની અંદર જ્યાં લગ્નનો કરાર કરવામાં આવ્યો હોય તે વિસ્તારનાં
રજિસ્ટ્રારને સદરહુ નોંધણીની યાદી બે નકલમાં રજિસ્ટર્ડ ટપાલથી પહોંચાડવાની
અથવા મોકલવાની રહે છે. યાદી ઉપર લગ્નનાં પક્ષકારોએ, વિધિ કરાવનારે અને
સાક્ષીઓએ સહી કરવી અને તેની સાથે ઠરાવેલી ફી પણ જોડવી જોઇશે.
આ કાયદામાં એવી પણ જોગવાઇ છે કે લગ્ન રજિસ્ટર તમામ વાજબી સમયે લોકોને જોવા
માટે ખુલ્લું રાખવું જોઇશે અને અરજદારને રજિસ્ટરમાંથી પ્રમાણિત ઉતારા
મેળવવા માટેની પણ જોગવાઇ છે. આ કાયદામાં એવી પણ જોગવાઇ છે કે લગ્ન નોંધણીની
યાદીમાં ખોટું નિવેદન કરવા માટે અને નોંધણીની યાદી ફાઇલ કરવામાં
જાણીબૂઝીને ચૂક કરનાર રજિસ્ટ્રાર માટે શિક્ષાની જોગવાઇ કરેલી છે.
>> લગ્ન સબંધી અન્ય લેખો વાંચો
>> લગ્ન સબંધી અન્ય લેખો વાંચો
No comments:
Post a Comment